કોરોના વર્લ્ડ LIVE / બોલિવિયામાં 5 દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા, તેમાથી 85%ના સંક્રમણથી મોત થયાની શંકા


ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1 કરોડ 51 લાખ 7 હજાર કેસ નોંધાયા છે. 6 લાખ 19 હજાર 812 લોકોના મોત થયા છે. 91.28 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
બોલિવિયામાં પોલીસને પાંચ દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા છે. નેશનલ પોલીસ ડાયરેક્ટર ઈવાલ રોજેસ મુજબ તેમાથી 85% (લગભગ 340)ના મોત સંક્રમણથી થયાની આશંકા છે. અહીના ચોચાબાંબા વિસ્તારમાંથી 191, લા પાઝમાંથી 14 અને સેન્ટાક્રૂઝમાંથી 68 મૃતદેહો મળ્યા.
ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સાથે કામ કરવા માટે તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેક્સીન પહેલા લાવવા માટે અમારી સરકાર ચીન સહિત ઘણા દેશો સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સારું કામ કરી રહ્યું છે. અપેક્ષા કરતા તે રસી વહેલી આવવાની સંભાવના છે. તે લોકો સુધી તરત જ પહોંચાડવામાં આવશે, કારણ કે અમેરિકાની સેના તેને વહેચવામાં મદદ કરશે.
ઝિમ્બાબ્વેમાં કર્ફ્યુ લગાવાયો
ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાએ મંગળવારે દેશભરમાં કફ્ર્યુ લગાવી દીધો છે. સુરક્ષાદળો સવારના 6થી સાંજના 6 દરમિયાન રાઉન્ડ લગાવશે. લોકોને ઘર બહાર નિકળતા રોકશે. જરૂરી કામ માટે બહાર નિકળવાની છૂટ અપાશે.
સ્પેન: વિકાસશીલ દેશોને ફંડ આપશે
સ્પેન વિકાસશીલ દેશોને કોરોના મહામારીનો સામનો કરવા માટે 1.7 બિલિયન યૂરો (લગભગ 1461 હજાર કરોડ રૂપિયા)નું ફંડ દેશે. સ્પેનના વિદેશ મંત્રી અરાંચા ગોંજાલેજે મંગળવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્પેનને આશા છે કે આનાથી લોકોના જીવ બચશે અને હેલ્થ સિસ્ટમમાં સુધારો આવશે. સ્પેનમાં અત્યાર સુધીમાં 28 હજાર 414 લોકોના સંક્રમણથી મોત થયા છે.
અમરિકા: ચીનના બે લોકો ઉપર વેક્સીનનો ડેટા હેક કરવાનો આરોપ
અમેરિકાએ ચીનના બે હેકર્સ ઉપર અમેરિકામાં કોરોના વેક્સીન બનાવી રહેલી કંપનીઓના કોમ્પ્યુટરને હેક કરવાનો કેસ કર્યો છે. કાયદા મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનના આ બન્ને લોકો વિશ્વમાં અલગ અલગ ભાગમાં કોરોનાની વેક્સીન બનાવનાર કંપનીઓના કોમ્પ્યુટર હેક કરવાની કોશિશ કરે છે. અમેરિકામાં 40 લાખ 28 હજાર 733 કેસ નોંધાયા છે. તેમા 1 લાખ 44 હજાર 958 લોકોના મોત થયા છે. 18.87 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
ચીનમાં 14 નવા કેસ નોંધાયા
ચીનમાં જિનજિયાંગ રાજ્યમાં મંગળવારે 14 નવા કેસ નોંધાયા છે.એક દિવસ પહેલા અહીં 11 નવા કેસ નોંધાયા હતા.
મેક્સિકોમાં એક દિવસમાં 915ના મોત
મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 915 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 40 હજાર 400 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 6859 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 56 હજાર 255 થઈ છે.

Comments